આપણે પ્રસંગોપાત, વારે તહેવારે કે વેપાર ઉદ્યોગમાં દરરોજ કે ક્યારેક કોઈને કોઈ સાથે હાથ મિલાવતા હોઈએ છીએ. અને દરેકની હાથ મિલાવવાની પધ્ધતિ અલગ હોય છે. હાથ મિલાવવાને અંગ્રેજીમાં હેન્ડ શેઈક અને ગુજરાતીમાં હસ્તધૂનન (વિસરાયેલો શબ્દ) કહે છે. પરંતુ શું આપ જાણો છો કે કોઈ સાથે હાથ મિલાવવા એ પણ સામેની વ્યક્તિ પર સકારાત્મક કે નકારાત્મક ઊંડો પ્રભાવ પાડે છે. આમ, કોઈ સાથે હાથ મિલાવવા એ પણ એક કળા છે. તો ચાલો જોઈએ, કોઈ સાથે હાથ મિલાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
૧. નજર મિલાવો : કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મિલાવતી વખતે પ્રથમ નજર મિલાવો. આ ચેષ્ટા તમારામાં તેમજ સામેની વ્યક્તિમાં એક-બીજા પર વિશ્વાસ ઉત્પન્ન કરશે. તમને પણ તમારા આત્મ-વિશ્વાસમાં વધારો જણાશે. એ એમ પણ દર્શાવે છે કે તમે સામેની વ્યક્તિમાં રસ ધરાવો છો, જેથી તેના આત્મ-વિશ્વાસમાં વધારો થશે. હાથ મિલાવતી વખતે નજર મીલાવવાની પ્રક્રિયા સંપૂર્ણ પરસ્પર છે. જેવો અનુભવ તમે કરશો તેવો જ અનુભવ સામેની વ્યક્તિને પણ થશે.
૨. મેલા કે ભીના હાથે હાથ ન મિલાવો : કોઈ સાથે હાથ મિલાવતા પેહલા (આપણને ખ્યાલ જ છે કે હાથ મિલાવવાના છે તો) હાથરૂમાલથી હાથ સંપૂર્ણ સ્વચ્છ રાખો. યાદ રાખો, ચોખ્ખાઈ સૌને ગમે છે. કોઈને પણ પોતાના હાથમાં કોઈનો પરસેવો લેવો ગમતો નથી. વધુમાં હાથ ભીના હોવાને લીધે થોડા ઠંડા પડી ગયા હોય છે એટલે હસ્તધૂનન વખતે સામેની વ્યક્તિને તમારા હાથમાં ઉષ્મા જણાતી નથી અને અને ઠંડા હાથ ઓછો આત્મવિશ્વાસ, ડર, મૂંઝવણ કે નીરસતા દર્શાવે છે જેથી પ્રતિસાદ પણ ઠંડો મળે છે. તો કોઈ સાથે હાથ મિલાવતા પેહલા એ બાબતનો ચોક્કસ ખ્યાલ રાખો કે તમારા હાથ ચોખ્ખા તેમજ કોરા હોય.
૩. પકડ મક્કમ રાખો : મક્કમ પકડ દર્શાવે છે કે તમે આત્મવિશ્વાસથી ભરપુર છો. જયારે ઢીલી પકડ જુદી જુદી બાબતો જેવી કે, મૂંઝવણ, ઓછો આત્મવિશ્વાસ, તેમજ આપને સામેની વ્યક્તિમાં ઓછો રસ છે એવું દર્શાવે છે. પરંતુ, જાજી પણ મક્કમતા ન રાખવી કે કોઈનો પંજો જ દુઃખવા લાગે.
૪. હળવું સ્મિત આપો : કોઈ પણ હસ્તધૂનનમાં હળવું સ્મિત ચાર ચાંદ લગાવી દે છે. સામેની વ્યક્તિ સાથે હાથ મિલાવતી વખતે નજર મિલાવવી, પકડ મક્કમ રાખવી તેમજ હળવું સ્મિત આપવું; આ ત્રણ ચેષ્ટા એક સાથે થવી જોઈએ જેથી સામેની વ્યક્તિને તમે વિશ્વાસ અપાવી શકો, અને દર્શાવી શકો કે તે તમારા માટે મહત્વ ધરાવે છે તેમજ તમે સામેની વ્યક્તિનો આદર કરો છો. આદર આપો - આદર મેળવો; સીધી અને સરળ વાત છે.
૫. સાઈડમાંથી હાથ ન મિલાવવા : ઘણી વખત એવું બને છે કે અતિ ઉત્સાહ કે બીજા કોઈ કારણોસર આપણે કોઈ સાથે ડાબી / જમણી બાજુએથી જ હાથ મિલાવવા હાથ લંબાવીએ છીએ પરંતુ આવું ક્યારેય ન કરવું. કોઈ સાથે હાથ મિલાવવા જ છે તો હંમેશા આપનું શરીર (આંખથી લઇ પગના અંગુઠા સુધી) તે વ્યક્તિ તરફ તેમજ તેનું શરીર (આંખથી લઇ પગના અંગુઠા સુધી) આપની તરફ હોવું જોઈએ. તેમજ, પેહલા આંખ મિલાવો અને ત્યાર બાદ હાથ મિલાવો. સાઈડમાંથી હાથ મિલાવ્યે બંનેના હાથ લટકતા રહી જશે. આ પણ આદર કરવાની એક રીત છે.
૬. સમયગાળો ટૂંકો રાખો : એક સારું હસ્તધૂનન ૧ થી ૨ સેકન્ડ કે ૨ થી ૩ વાર હાથ ઉપર-નીચે થાય એટલું જ હોય છે. લાંબા સમય માટેના હસ્ત ધૂનન ને હસ્ત પકડ કેહવાય. અને લાંબા સમય માટે કોઈનો હાથ પકડી રાખ્યો હોય તો સામેની વ્યક્તિ જ તમારા પંજામાંથી છૂટવાનો પ્રયત્ન કરશે (કદાચ હસ્ત ખેંચાખેંચ પણ થાય) અને બીજી વાર હાથ મિલાવતા પેહલા બે વખત વિચારશે.
૭. બેઠા બેઠા હાથ ન મિલાવવા : હા, તમે ગમે મોટા શેઠ, સાહેબ કે જમાદાર હો; હંમેશા એ ધ્યાન રાખો કે આપ હાથ મિલાવતી વખતે ઊભા થાઓ. આમ, કરવાથી સામેની વ્યક્તિને આદરભાવની લાગણી ઉત્પન્ન થશે તેમજ આપના મનમાં તેને પોતાના માટેનું મહત્વ પણ જણાશે. વધુમાં આપનું વ્યક્તિત્વ પણ સામેની વ્યક્તિને આદર આપ્યા બદલ નીખરી ઉઠશે. હા, જો તમે બંને વ્યક્તિ બેઠા હો, તો બેઠા બેઠા હાથ મિલાવવામાં વાંધો નહિ, પરંતુ જો સામેની વ્યક્તિ ઊભી છે તો હંમેશા ઊભા થઈને અથવા (જો સામેની વ્યક્તિ નીચેનો હોદ્દો અને/કે નાની ઉંમર ધરાવે છે) તો થોડા ઊભા થઈ આગળ તરફ નમીને હાથ મિલાવવાનો આગ્રહ રાખો.
૮. દૂરી થોડી જ રાખવી : હાથ મિલાવતી વખતે આપનો તેમજ સામેની વ્યક્તિનો અડધાથી પોણો હાથ દુર હોય ત્યારે જ હાથ લંબાવવો. ટૂંકમાં બંનેના હાથનું મિલન આપ બંનેના શરીરની મધ્યમાં થવું જોઈએ. બંને વ્યક્તિ વચ્ચેનું અંતર ૪ થી ૫ ફુટ યોગ્ય છે. આથી વધુ દુરીથી હાથ લંબાવવો નહિ. જો દૂરથી જ હાથ લંબાવીને સામેની વ્યક્તિ તરફ દોડ્યા જશું તો તલવાર લઈને મારવા માટે દોડતા હો તેવું લાગશે. કલ્પના કરી જુઓ. તો, ધ્યાન રાખો કે હસ્તધૂનન માટે તમે બંને એકબીજાની પહોંચમાં હો.
૯. ખેંચા ખેંચી કરવી નહિ : કોઈ પણ સાથે હાથ મિલાવતી વખતે સામેની વ્યક્તિનો હાથ ખેંચવો નહિ. એ બસ ભદ્દૂ છે. હસવું આવશે, પરંતુ ઘણા લોકોને એવી આદત હોય છે કે હાથ મિલાવીને સામેની વ્યક્તિનો હાથ ખેંચે, હાથને જોર જોરથી હલાવે છે કે જટકા મારે છે. (અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ આદત છે.) યાદ રાખો આવી હાથની ખેંચાખેંચી સારા વ્યક્તિત્વમાં નકારાત્મક પ્રભાવ પાડે છે.
૧૦ : સ્ત્રી સાથે હસ્ત ધૂનન : કુદરતે સ્ત્રીને સૌમ્ય, કોમળ બનાવી છે. તેથી સ્ત્રી સાથે હાથ મિલાવવા માટે થોડી અલગ રીત છે. અહિ પકડ મક્કમ રાખવાની નથી હોતી. સ્ત્રી સાથે આપનું હસ્તધૂનન ફક્ત આંગળીઓ સુધીજ સીમિત રાખવાનું હોય છે. આપની આંગળીઓ તેણીની આંગળીઓથી આગળ ન જવી જોઈએ તેમજ ખૂબ જ હળવેથી હાથ મિલાવવાનો હોય છે. આ દ્વારા તમે કોઈ પણ સ્ત્રીને આદર આપ્યાનો અનુભવ કરાવો છો, તેમજ એમ પણ દર્શાવાય છે કે તમે તે સ્ત્રીને તેની પોતાની પર્સનલ સ્પેસમાં દખલ કરવા માંગતા નથી તેમજ તેની પર્સનલ સ્પેસનો પણ આદર કરો છો.
કોઈપણ વ્યક્તિના સ્વભાવ તેમજ વ્યક્તિત્વ જાણવાની ઘણી રીતો હોય છે, તેમાંની એક રીત હસ્તધૂનન પણ છે. જયારે તમે કોઈ સાથે હાથ મિલાવો તો સામેની વ્યક્તિને થોડો ઘણો તો ખ્યાલ આવી જ જાય છે કે તમે ક્યા પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો. તો, જો આપ કોઈ સાથે હાથ મિલાવતી વખતે ઉપરની બાબતોનું ધ્યાન રાખશો તો બીજા પર સારો પ્રભાવ પણ પડશે તેમજ વ્યક્તિત્વમાં પણ સકારાત્મક બદલાવ આવશે.