એક સવાલ : આપણે મોટાભાગના અટપટા ગાણિતિક કે વૈજ્ઞાનિક સમીકરણોમાં pi, ૩.૧૪ કે ૨૨/૭ નો જ ઉપયોગ કેમ કરીએ છીએ? કેમ ૨, ૫, ૧૫, ૨.૧૩૪ કે બીજા ક...

Education is a noble profession.

/
0 Comments

એક સવાલ :

આપણે મોટાભાગના અટપટા ગાણિતિક કે વૈજ્ઞાનિક સમીકરણોમાં pi, ૩.૧૪ કે ૨૨/૭ નો જ ઉપયોગ કેમ કરીએ છીએ? કેમ ૨, ૫, ૧૫, ૨.૧૩૪ કે બીજા કોઈ અંકોનો નહિ?

ભાર વગરનું ભણતર. સ્ટ્રેસલેસ એજ્યુકેશન. ઓપન બૂક એક્ઝામ. અને આવું તો કેટલુંય બધું. ફક્ત આપણી શિક્ષણપ્રથામાં નવા ઉમેરાયેલા શબ્દો. જે મોટે ભાગે તો ન્યુઝ મીડિયા વાળા જ વાપરતા હોય છે. પરંતુ જે ખરેખર શિક્ષણ "વ્યવસાય"માં છે, એ લોકો એ ભાર વગરના ભણતર માટે શું કર્યું? કશું નહિ. શિક્ષકો, માસ્તરો, હેડમાસ્તરો, પ્રોફેસરો આ બધાને મરચા જરૂર લાગશે, પણ ખોટું હોય તો કહો જોઈએ?

આપણી શિક્ષણપ્રથા કેવી હોવી જોઈએ એ પહેલા આપણી શિક્ષણપ્રથા કેવી છે એ જાણવું ખુબ જ જરૂરી છે.

તમને યાદ હોય તો હિન્દી મુવી "૩ ઇડીયટસ"માં રેંચો નો ડાયલોગ હતો કે આ ઇન્સ્ટીટ્યુટ ઇન્જીનિયર પેદા કરવાની ફેક્ટરી જેવી છે. જ્યાંથી દર વર્ષે કેટલાંય ઇન્જીનીયર્સ પેદા થાય છે. બસ, આવું જ આપણી શિક્ષણપ્રથાનું છે. જ્યાંથી દર વર્ષે ખબર નહિ શું પેદા થાય છે? કે ખરેખર એને ખ્યાલ જ નથી હોતો કે એમને ખરેખર કરવું છે શું? જવું છે ક્યાં?

પરીક્ષા

પરીક્ષા એટલે તમે શું શીખ્યા એ જાણવા માટેનું માધ્યમ મટીને તમારી ગોખેલી વિગત તમે નિયત સમયમાં પૂરી કરી શકો છો કે નહિ? શું ખરેખર આ ન્યાયી છે? ચાલો થોડા દાખલા જોઈએ. તમને ગોખતાં નથી આવડતું પરંતુ તમે એ વિષય સરસ રીતે સમજી ગયેલા છો. પરતું પેપરમાં તો અક્ષરશ: લખેલું હોવું જોઈએ. તમારી સમજણથી જો તમે એ જ બાબત તમારી રીતે બીજા શબ્દોમાં સમજાવા ગયા તો ખલ્લાસ!!! કોઈ માઈનો લાલ તમને નાપાસ થતા બચાવી ન શકે. એમાં લખવાની ઝડપ તો બીજા કરતા વધારે હોવી જ જોઈએ.

દાખલો બીજો : તમે ખુબ જ સારા ગોખણકાર છો. તમને વિષય સમજવાની જરૂર નથી. તમારી લખવાની ઝડપ બહુ છે. હવે આવા વિદ્યાર્થી આગળ જઈને વાસ્તવિક જીવનમાં સમાજને શું પ્રદાન કરશે? કાઈ નહિ. રોટલા તો રળી ખાશે. પણ ઇનોવેશન કે ક્રિએટીવીટી નું બલિદાન ચડ્યા વગર રેહતું નથી. અને ઘેટા બકરા જેવી જિંદગી બનાવી નાખે છે. ફોલો કરો નવું કઈ નહિ, રોજ ની જેમ સમયસર ચરવા નીકળી જાઓ.

હું શિક્ષણ જેવા ઉમદા ક્ષેત્રના "વ્યવસાયમાં" નથી. પરંતુ હું એવા ઘણા ટોપર્સ અને વિદ્યાર્થીકાળમાં હોશિયાર રહી ચુકેલા વ્યક્તિઓના સંપર્કમાં છું અને વાતચીતમાં ખ્યાલ આવી જાય છે કે તેમને પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણમાં આવેલું પાયાનું જ્ઞાન તો યાદ રહ્યું જ નથી. જો કે એની કોઈ જરૂર નથી હવે. પરંતુ ગોખેલું જ્ઞાન યાદ રેહતું નથી, પણ સમજેલી કોઈપણ બાબત કે જ્ઞાન તમારી સાથે આજીવન રહે છે. શ્રેષ્ઠ ઉદાહરણ છે, થીયેટરમાં જોયેલી ફિલ્મો! કેમ તમને ફિલ્મો, તેના કલાકારો, તેની વાર્તા યાદ રહી જાય છે? કારણ કે, તમે જે તે ફિલ્મને સમજી હતી. આ જ ઉદાહરણ આ લેખ માં ફરી વખત યાદ કરવામાં આવશે.

જ્યાં શાળામાં શિક્ષણ એટલે ચોપડી માં જે આવે એ સમજવું ને યાદ રાખવું પણ યાદ ન રહે તો ગોખી નાખવું એ વણલખ્યો નિયમ છે. કેમ કે પરીક્ષા જ એ રીતે લેવાય છે.

એક વરવું ઉદાહરણ આપું. આપણા 'મોટાભાગના' શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને શબ્દોમાં જોડણી તરીકે હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ, હ્રસ્વ ઉ કે દીર્ઘ ઊ ક્યારે વાપરવું એ શીખડાવતા જ નથી હોતા. અરે, એનું મહત્વ ખુદ શિક્ષકોને પણ જ્ઞાત નથી હોતું. આજની તારીખમાં પણ હવે જે ભણી ગણીને પૈસા કમાય છે તેઓ હ્રસ્વ ઇ,ઉ કે દીર્ઘ ઈ,ઊ એમ નહિ પણ ડાબી બાજુ ઇ કે ઉ, જમણી બાજુ ઈ કે ઊ એમ કહીને બોલે છે. અરે ભાઈ, જોડણીનું મહત્વ ખુબ જ છે આપની ભાષામાં નહીતર અર્થનો અનર્થ સમજી લો.

મને યાદ છે, પરીક્ષામાં જોડણી પૂછાતી, પણ આપને જોડણી ગોખતા. આપણને ગોખાવવામાં આવતી, સમજાવવામાં નહિ. તમે ખુદ કહો જોઈએ કે શું તમારા શિક્ષકો તમને જોડણી શીખડાવતા કે ગોખાવતા? આપણી ભાષામાં હ્રસ્વ અને દીર્ઘનું મુલ્ય ખુબ જ છે. આ લેખમાં પણ ઘણી જોડણી ભૂલ હશે જ, શું કરું? મને જોડણી શીખાડાવામાં નથી આવી અને ત્યારે તેના મહત્વનો મને ખ્યાલ નહોતો. હવે જયારે ખ્યાલ છે ત્યારે આવડતી નથી. (વાંચી વાંચીને શીખું છું એ અલગ બાબત છે.)

આવું તો કેટલુંય બધું છે ભાર વગરના ભણતરમાં જેમાં વિદ્યાર્થીને ભાર ન પડે એ માટે કેટલીયે મહત્વની બાબતોનો ભાર જ ઉતારી નંખાયો છે.

તો શું કરવું જોઈએ?

થઇ તો ઘણું શકે પરંતુ આ બીમારી આપણા લોહીમાં એટલી એકરસ થઇ ગઈ છે કે જો તમે આ બીમારીના વાયરસ દુર કરવાનો પ્રયાસ પણ કરશો તો ઘણી તકલીફ પડશે. માંદગી ઘેરી વળશે; પણ એક સમય એવો જરૂર આવશે જેથી આ બીમારી દુર થઇ આપણો સમાજ એક તંદુરસ્ત સમાજ બની શકે. એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ થશે.

ભાર વગરનું ભણતર કે સ્ટ્રેસલેસ એજ્યુકેશન ખરેખર લઇ આવવું જ હોય તો કંઇક નવું શીખવામાં રસ લેવો એ પેહલી શરત છે. અને હા, આ વિદ્યાર્થીઓ માટે નહિ પણ શિક્ષકો માટે છે. સીધી વાત છે. કુવામાં હોઈ તો અવેડામાં આવે અને કુવામાં જે હોઈ એ અવેડામાં આવે.

પણ અહિ તો શિક્ષકો જ નવું શીખવામાં નીરસ છે. નવું શીખવામાં જોર પડે છે. એક સાચો પ્રસંગ છે. હું બસમાં મુસાફરી કરતો હતો અને સાથે બે થી ત્રણ શિક્ષકો હતા જે કોઈ શિક્ષકોની ટ્રેનીંગમાંથી પાછા આવતા હતા. એમની વાતો તો મને હવે યાદ નથી રહી. પરંતુ એ જરૂર જાણી શક્યો કે એ લોકોને આવી ટ્રેનીંગની કંઈ પડી નહોતી પરંતુ સરકારના આદેશને કારણે તેમણે જવું જરૂરી હતું. કોઈ શોખ નહોતો નવું શીખવાનો. (કઠોર વાસ્તવિકતા આપણા સમાજની એ છે કે જ્યારે વ્યક્તિને બીજી કોઈ નોકરી કે વ્યવસાય ન મળે એટલે એ શિક્ષણ ક્ષેત્રમાં ઝંપલાવે છે અને શિક્ષક બને છે. સમાજનું ઘડતર કરવાનો કોઈ ઉમદા હેતુ હોતો જ નથી.)

એવા શિક્ષકો પણ છે આપણા સમાજમાં જે પોતે કંઇક નવીન શીખે છે અને તેમાં વિદ્યાર્થીને રસ લેતા કરે છે. અથવા તો નવીન રીતે જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે જેથી વિદ્યાર્થીની સમજણશક્તિનો વિકાસ થાય. પણ એ શિક્ષકોનું પ્રમાણ ખુબ જ ઓછું છે.

આ જરૂરી છે. જયારે શિક્ષણને શીખવાના રૂપમાં લેવામાં આવશે અને એ રૂપને સતત રાખવામાં આવશે એટલે સમજણશક્તિ આપોઆપ વિકસશે.

મેં જોયું છે કે આપણે ત્યાં ઈતિહાસ, વિજ્ઞાન અને ગણિત બહુ કંટાળાજનક રીતે ભણાવાય છે. જો શક્ય બને ત્યાં સુધી રોલ પ્લે એટલે કે નાનકડા નાટક કે મોડેલ પધ્ધતિથી વિદ્યાર્થીઓને જ તેમાં સામેલ કરાય તો વિદ્યાર્થીની કોઈ પણ વિષય સમજવાની શક્તિ અને એ વિષય સરળ રૂપે યાદ રહી જવાની શક્તિમાં નોંધપાત્ર વિકાસ થશે. જેમ આપણે કોઈ ફિલ્મ કે કોઈ ટીવી સીરીયલમાં સામેલ થઇ ગયા હોઈએ અને આખી ફિલ્મ સમજાય જાય છે એ જ રીતે.

આજ હવે તો ઇન્ટરનેટ દરેકના હાથમાં છે. કોઈ પણ શિક્ષક ઈન્ટરનેટ પર જઈ કોઈ પણ વિષય પર વધારે ઊંડાણપૂર્વક સમજી (જો ખરેખર દાનત હોઈ અને જોર ન પડતું હોઈ તો) તે વિષય વિદ્યાર્થીને સરળ રીતે સમજાવી શકે છે.

આપણે ત્યાં મેક્ષીમમ બે આંગળી ના વેઢે ગણી શકાય તેટલા કોર્ષમાં જ જવું તે ચલણ છે. બીજા કોર્ષ સામે તો આપણે આંખ સુધ્ધા માંડતા નથી. મારે મારા દીકરાને ડોક્ટર, ઇન્જીનિયર, સિ.એ., મેનેજર બનાવવો છે. અને દીકરો આમાંથી કોઈ એક બનવા તૂટી પડશે. ગોખ ગોખ કે.

આપણે કળા પ્રત્યે કે બીજા અન્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે બેધ્યાન જ થઇ ગયા છીએ. હા, સંગીતકાર અને ચિત્રકારનો દીકરો ચિત્રકાર બને છે, પરંતુ તે પાછલ તેમની શાધના અને શીખવાનો રસ હોય છે. કોઈ ચિત્રકાર કે સંગીતકાર એના દીકરા પર આ બનવા માટે થોપતા નથી કેમ કે તેમને ખબર છે કે જો આ વિષયમાં રસ નહિ લે તો આમાં એ ક્યારેય આગળ વધી નહિ શકે. કેહવાનો હેતુ એ જ કે જે બાબતમાં રસ છે એ બાબતમાં આગળ વધારો તમારા બાળકોને, નહિ કે પૈસા કમાવાના વ્યવસાયનો કોર્ષ કરાવવો. થશે એવું ક બધા જ જો ડોક્ટર્સ કે ઇન્જીનીયર્સ બનશે તો ઇન્જીનિયર કે ડોક્ટર તમે ધારો છો તેટલા પૈસા તો નહિ જ કમાઈ શકે. તાજા ખબર : ૨૦૨૨ સુધીમાં હજારો દાંતના ડોકટરો બેરોજગાર થવાના છે.

એવા ઘણા કોર્ષ ઉપલબ્ધ છે જે તમારા બાળકોને કંઇક નવું જ કરવા પ્રેરે છે. કદાચ પૈસા એટલા ન કમાઈ શકે જેટલા ડોકટરી કે ઈન્જીનીયરીંગ કરવામાં મળે પરંતુ જો તમારું બાળક નવું જે કંઈ કરે એ શ્રેષ્ઠ હશે તો 'વિશ્વ'માં એની નોંધ જરૂર લેવાશે. (લખી રાખજો.)

હવે થોડું પરીક્ષા બાજુ ધ્યાન આપીએ. આપણે ત્યાં થોડા વર્ષોથી બહુવીકલ્પી પ્રશ્નો (MCQ યુ નો) નું ચલણ વધી ગયું છે. કારણ? ભાર વગરનું ભણતર. હવે થશે એવું કે MCQ ને લીધે તેની જવાબ પાછળની સમજણ શક્તિનો ચિત્તાર તેમાં આવતો નથી. વિદ્યાર્થીએ પ્રશ્ન સમજેલો છે કે દે ધના ધન જવાબ આપ્યો છે તે કેમ ખબર પડે? હા ટૂંકા જવાબ માટે આ પધ્ધતિ સરળ લાગતી હોય તો પછી એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો એવું મૂકી દો. જુઓ પછી ભણવામાં નબળા વિદ્યાર્થી ઉપર કેવો ભાર વધે છે? આ પધ્ધતિ ખરેખર તો નબળા વિદ્યાર્થીને ઉગારવા માટે જ તૈયાર થઇ હોય એવું થયું.

પરીક્ષામાં બધું અક્ષરશ: લખવું જરૂરી કેમ? કોઈ વિદ્યાર્થી પોતાની સમજણ શક્તિથી કે અલગ રીતે એ બાબત તમને જવાબમાં સમજાવી ન શકે. આન્સર કી મુજબ જ આન્સર લખવો જરૂરી કેમ છે? આમાં તો વિદ્યાર્થીની સમજણ શક્તિ નહિ ને યાદશક્તિ કે ગોખણશક્તિનો પરચો મળે છે. નહિ કે સમજણ શક્તિ કે શીખેલી બાબતનો. પણ ખાટલે મોટી ખોડ એ છે કે જો આન્સર કી ન હોય તો જવાબ તપાસનાર જ ધર્મસંકટમાં આવી પડે છે કે જવાબ સાચો ગણવો કે ખોટો. કેમ કે વ્યવહારુ રીતે જવાબ સાચો હોય તો પણ પાઠ્યપુસ્તક જિંદાબાદ નથી.

પરીક્ષાનો સમય નિયત ૩ કલાક જ કેમ? ધારો કે વિદ્યાર્થીને બધું આવડે છે, યાદ છે, સમજેલું છે, પરંતુ લખવાની ઝડપ ઓછી છે, કોઈ પણ કારણસર. અને આને લીધે એ બધું આવડતું હોવા છતાં પેપર અધૂરું રહે છે એનું. જેની સામે બીજા વિદ્યાર્થીને સમજવાની ચિંતા નથી, આખું વર્ષ એણે દરેક વિષય ગોખવામાં અને લખવાની સ્પીડ વધારવામાં જ વિતાવ્યા અને ગોખણશક્તિ અને લખવાની શક્તિને લીધે એ પેપર પૂરું કરે છે તો પલડું કોની તરફ નમવું જોઈએ? આમાં પેલા વિદ્યાર્થીને અન્યાય નથી? આમ પણ આગળના ભવિષ્યમાં એ પેન ફક્ત પોતાની સહી કરવા માટે જ વાપરવાનો છે જયારે બધું કામ એ પોતાના સ્માર્ટફોન કે કોમ્પ્યુટર થકી જ કરવાનો છે.

બોર્ડના વિદ્યાર્થીઓની એક સામાન્ય ફરિયાદ હોય છે કે પેપર લાંબુ હતું કે સમય ઓછો પડ્યો. અરે ભાઈ તમારે એની જ્ઞાનની ચકાસણી કરવી છે કે એની લખવાની ઝડપની? અને તમારે એના જ્ઞાનની ચકાસણી કરવી જ છે તો પછી એને જોઈતો હોય એટલો સમય આપો. ૮ કલાક આપી દો. શું ફેર પડે છે? એ બિચારો નિરાંતે હળવા મને સારી રીતે પેપર પૂરું તો કરી શકશે. હા ગોખ ગોખ કે વાળા વિદ્યાર્થીને આનાથી કશો ફેર પડવાનો નથી. પરંતુ આનાથી પેલા નંબરના વિદ્યાર્થીને નુકશાન તો નથી જ. (મોટાભાગના શિક્ષકોને અહિ પેટમાં ચૂક ઉપડશે કેમ કે ૮ કલાક શા માટે? ત્યાં સુધી અમારે કરવું શું? વધુમાં અમે જાજુ કામ કરવા ટેવાયેલા નથી.)

અને હા, સમગ્ર દેશમાં આપણે એક જ ધોરણનો એક જ સિલેબસ કેમ લાગુ ના કરી શકીએ. આનાથી મોટો ફાયદો એ થશે કે વિદ્યાર્થી ઉચ્ચતર અભ્યાસ માટે સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ જશે તો તેના ગ્રેડનુ ધોરણ સમાન રેહશે. હા જે તે રાજ્યના કે ભાષા માટે ૨ થી ૩ વિષયો જુદા હોઈ તો ચાલે. પણ ગણિત, વિજ્ઞાન જેવા વિષયો તો સમાન રાખી જ શકીએ ને?

પ્રાથમિક કે માધ્યમિક સ્તરથી જ વિદ્યાર્થીઓને કાયદાનો વિષય અભ્યાસમાં સામેલ કરવો જોઈએ. જેથી આગળ જતા એ પોતાના હકો, ફરજો પ્રત્યે સભાન બનશે. વધુમાં વિદ્યાર્થીનો બંધારણ તેમજ કાયદા પ્રત્યેનો આહીર્ભાવ જાગશે. આખરે તો કાયદામાં રેહશે તો ફાયદામાં રેહશે અને કાયદો જાણશે તો ફાયદો માણશે.

ઘણા દેશોમાં આજે પણ સ્કુલ લેવલથી જ લશ્કરી તાલીમ આપવામાં આવે છે. હું પણ એ બાબતથી સહમત છું. બે મહત્વના કારણ છે : એક તો વિધ્યાર્થીકાળ થી જ જો લશ્કરી તાલીમ મળે તેમાં દેશમાટે કંઇક કરી છૂટવાની ભાવના જાગૃત થશે અને હોશિયાર તેમજ રસ હશે તો લશ્કરમાં જોડાવાની શક્યતાઓ વધી જશે. જે આપણા દેશ માટે જ સારું છે. આપણું સૈન્ય બળ જેટલું વધુ અને મજબુત તેટલું જ દેશના દુશ્મનો આપણી સામે આંખ ઉંચી કરતા ડરશે. બીજું કારણ એ કે આજના સમયમાં કેહવાતા બુદ્ધિજીવીઓ તેમજ બુદ્ધિજીવીઓ ને લીધે દેશના યુવાનો દ્વારા આપણા સૈન્યને ગાળો ભાંડવાનો ચીલો શરુ થયો છે. જે આપણા દેશ માટે ખુબ જ ખતરનાક છે. આ બાબતમાં અલગથી જ લેખ જરૂરી બની જાય છે. એટલે અહિ ટૂંકાવું છું. જો નાનપણ થી જ સૈન્ય તાલીમ મળશે તો આ ચીલો બંધ થવાની પૂરી શક્યતાઓ છે. બાકી દેશમાં રહીને જ દેશનું જ ખોદવું એવા દેશદ્રોહિઓ આપણા કંગાળ કાયદાઓને લીધે જ જીવે છે.

ઉપાય દરેક સમસ્યાના છે પરંતુ આપણે સમસ્યા સાથે એટલી હદે ટેવાઈ ગયા છીએ કે આપણે એને સુધારવાની પણ મેહનત કરવા માંગતા નથી.

આપણી શિક્ષણપ્રથા જ એવી છે કે આપણા વિદ્યાર્થીઓ તો ઠીક પરંતુ આપણા શિક્ષકોને પણ કંઈ નવું કરવાની કે શીખવાની પ્રેરણા જ પૂરી પાડતી નથી.

આવી શિક્ષણપ્રથાને જ્યાં સુધી મૂળમાંથી ઉખાડીને ન ફેકી દઈએ ત્યાં સુધી નવી પેઢીમાં રીસર્ચ અને કંઈ નવું કરવાની પ્રેરણા મળવાની જ નથી.

શરૂઆતમાં પુછાયેલા સવાલનો જવાબ મળ્યો?

Education is a noble profession.
- Nana Patekar (Movie : Pathshala)


You may also like

No comments:

Powered by Blogger.

Followers