હેલ્લો ! મારું નામ ૩૩૧૦ છે. આ ભલે ફક્ત નંબર જ રહ્યો. પણ મને આ જ નંબરથી ઓળખવામાં આવે છે અથવા તો એમ કહું કે આવતો હતો. અને મા...

નોકીયા ૩૩૧૦ ની આત્મકથા

/
0 Comments




હેલ્લો !
મારું નામ ૩૩૧૦ છે. આ ભલે ફક્ત નંબર જ રહ્યો. પણ મને આ જ નંબરથી ઓળખવામાં આવે છે અથવા તો એમ કહું કે આવતો હતો. અને મારા જ લીધે મને ઘડવાવાળાઓની ઓળખાણ બની. હા, કેમ કે જયારે દુનિયામાં મોબાઈલ ફોન સામાન્ય માણસને પણ પરવડી શકે એવી સ્થિતિ બની એ જ સમયે મને ઘડવામાં આવ્યો હતો અથવા તો મારા ઘડતર પછી જ સામાન્ય માણસ માટે મોબાઈલની સુવિધા હાથવગી બની.

હા, મને આજ પણ યાદ છે જયારે હું વેચાણ માટે મારા જન્મ સ્થળેથી દુકાનમાં ગયો. અને સેલ્સમેન મને તેના દરેક ગ્રાહકને હોંશે હોંશે બતાવતા અને મારા વખાણ કરીને તેમને મને ખરીદવાની સલાહ આપતા. ત્યારે મારી ખુશીનો પાર નહોતો રહેતો. ફક્ત બે જ દિવસમાં મને મારા માલિકે પસંદ કરી લીધો. ત્યારે મને માલિકમાં મારા ભગવાન દેખાયા. અને ત્યારથી જ નક્કી કરી લીધું કે હું ગમે તે સમયે, દિવસ હોય કે રાત, કોઈ પણ ઋતુ હોય, હું ગમે ત્યાં હોઉં પણ મારા માલિકને ક્યારેય મારા તરફથી અસંતોષ ન થાય તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશ.

મારા માલિક પણ મને લઈને ખુશ થઇ ગયા. મને હંમેશા પોતાની સાથે જ રાખતા. ઘરની બહાર જાય એ પહેલા ચેક કરી લે કે હું સાથે છું કે નહીં. મને યાદ છે જયારે એ એક વખત મને ભૂલી જઈને પોતાના કામે નીકળી ગયા હતાં. હું થોડો નિરાશ થયો. પણ થોડી જ વાર માં પાછા આવીને મને સાથે લઇ ગયા. શેઠાણી સાથે વાત કરતા હું સાંભળી ગયો કે એ મને ભૂલી ગયા હતાં. મુકીને નહોતા ચાલ્યા ગયા. એક વખત તો એ કંઇક લેવા માટે વળ્યા હશે અને હું એના ખિસ્સામાંથી નીકળીને સીધો જઈ પડ્યો નીચે. ધડામ, અવાજ તો બહુ જોરથી આવ્યો. હું પણ ડરી ગયો કે શું મારું આયખું આટલું જ? પણ મારા શેઠે મને ખુબ જ બારીકાઇથી તપાસીને જોયો. મને કંઈ નહોતું થયું. ધન્ય મારા ઘડનાર ને ! ત્યારે મારા જીવમાં જીવ આવ્યો અને મારા શેઠને પણ. આ ઘટના પછી શેઠ મારા માટે એક પ્લાસ્ટીકનું કવર અને તેની સાથે એક સુંદર મજાની ગળે ટીંગાડવાની દોરી લઇ આવ્યા. જેથી હું હંમેશા તેમની સાથે રહું અને ક્યારેય અજાણતા છૂટી ન જાઉં. મને ખુબ જ ગમ્યું ! મારા શેઠ તેના એક સંતાનની જેમ જ મારો ખ્યાલ રાખતા હતાં.

નવરાશના સમયે મારા શેઠ મારી સાથે ગેમ રમતા. મને હજીયે યાદ છે. જયારે મારા શેઠ સાપની ગેમ રમતા ત્યારે હું પણ થોડી હળવાશ અનુભવતો અને આનંદિત થઇ જતો. જેમ જેમ સમય જતો ગયો. તેમ તેમ હું એમનું વ્યસન થતો ગયો. એમને મારા વિના ક્યાંય ચાલતું નહોતું. મારા વગર તો શેઠ ઘરની બહાર પણ ન નીકળે.

પરંતુ થોડા દિવસ પેહલાની જ વાત છે. કોઈ કારણસર હું કોઈ સાથે વાતચીત જ નહોતો કરાવી શકતો. મારા શેઠ મને સારા મોબાઈલ રીપેર શોપમાં લઇ ગયા. અને મારે મારા શેઠથી બે દિવસ દુર રહેવું પડ્યું. એ બે દિવસ તો મારા માટે ખુબ જ કપરા હતા. શેઠ માટે પણ કપરા જ હશે એવું હું માનું છું. હું સાજો તો થઇ ગયો પણ ધીમે ધીમે હું ગમે ત્યારે, જયારે ને ત્યારે બીમાર પાડવા લાગ્યો. કોણ જાણે તે મોબાઈલ રીપેર કરનારે મારામાં શું કર્યું તે? શેઠ પણ મારાથી કંટાળી ગયા હતા જયારે હું તેમને કામના સમયે જ કામમાં નહોતો આવતો.

દરમિયાન મારા શેઠના સંતાનો પણ મોટા થઇ ગયા અને નોકરી મેળવી લીધી. તેમણે પેહલા પગારથી મારા શેઠ માટે આધુનિક સ્માર્ટફોન લઇ આપ્યો. તેમના સંતાનોએ સલાહ આપી કે આમ પણ હું જુનો થઇ ગયો છું અને ગમે ત્યારે બીમાર થઇ જાઉં છું. જયારે નવા ફોનમાં વધુ સારી સુવિધાઓ છે. સામે વાળાને જોઇને પણ આપને વાતચીત કરી શકીએ. મારા તો માન્યામાં જ નહોતું આવતું કે એ ફોનમાં એક બટન પણ નહીં. તો મારા શેઠ ફોન કઈ રીતે જોડશે? મારા શેઠે તો પહેલા બહુ આનાકાની કરી પરંતુ છોકરાઓની જીદ તેમજ આધુનિક થઇ જવાની બાબતે એમણે નવા ફોનનો સ્વીકાર કરી લીધો.

નવા ફોનને લીધે એ મને તો સાવ ભૂલ્યા જ નહોતા. થોડો સમય નવા ફોનને આપતા હતાં કે જેથી એ સીખી શકે. પરંતુ જેમ જેમ તે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ એ મારી સાથે ઓછો સમય ફાળવતા ગયા. નવો ફોન પણ મારી મજાક ઉડાડતો હવે - જુનો જુનો કહીને ચીડવતો. હવે એ તેમાં દર અઠવાડિયે નવી નવી ગેમ રમે, ફોન પર ફેસ ટુ ફેસ વાતચીત કરે છે. ત્યારે મને એમ થતું કે કાશ મારી પાસે પણ આવી અઢળક સુવિધા હોત તો હું પણ મારા શેઠને વધારે ખુશ કરી શકત.

સૌથી વધારે દુખ તો ત્યારે થયું કે જયારે એમણે મારામાંથી સીમકાર્ડ કાઢી લઇ નવા સ્માર્ટફોનને આપી દીધા. ત્યારે તો એવું લાગ્યું કે મારા શરીરમાંથી આત્મા નીકળી ગયો હોઈ અને છતાં પણ હું જીવતો હોઉં. જીવતી લાશ જેવો થઇ ગયો હું. ત્યારે મને સમજાય ગયું કે હવે મારો અંત નજીક છે. કાં તો મારા શેઠ મને બીજા કોઈને વેચી દેશે અથવા તો કચરામાં નાખી દેશે. જે હોઈ તે પણ હું મારા શેઠથી દુર તો થવાનો હતો એ નક્કી હતું.

પરંતુ મારા શેઠે મને એક કબાટના ખાનામાં પૂરી દીધો. શું આ જ મારું નસીબ? મને કબાટમાં મૂકતા મૂકતા એ શેઠાણીને કહી રહ્યા હતા કે આ ફોન ને એટલે કે મને સાચવી રાખવા માંગે છે કેમ કે નવા ફોનના કંઈ ભરોસા નહીં, ગમે ત્યારે બગડી જાય. અરે મારા ભોળા શેઠ ! મને કબાટમાં મૂકતા પેહલા મારામાંથી બેટરી તો કાઢવી હતી ! હવે ધીમે ધીમે મારી અંદર જ બેટરી કોહવાતી જશે અને એક દિવસ હું ક્યારેય આ દુનિયા નહિ જોઈ શકું. અરે શેઠ હું તમારે કામ પણ નહિ આવી શકું ! શેઠના છેલ્લા શબ્દો સાંભળીને પણ હું ખુશ થયો અને મારા જીવને છેલ્લી શાંતિ મળી અને ધીમે ધીમે હું સ્વીચ ઓફ થઈને મૃતપાય બની ગયો. હજી પણ હું મૃત જ છું કેમ કે હું કશું કરી શકવાને સમર્થ નથી. જાણે લકવા મારી ગયો હોય. જીવતો તો ખરા, છતાં પણ અસમર્થ.

મને પાક્કો વિશ્વાસ છે લોકોએ ભલે મને તરછોડી દીધો હોય પરંતુ લોકો મારી મજબૂતી અને મારી એક જ વખત ચાર્જ કરીને એક અઠવાડિયું સુધી વગર થાકે ચાલવાની ક્ષમતાને તો યાદ કરશે જ. આ હતી મારી વાત. હું આજે પણ મારા શેઠનો નવો ફોન બગડે અને મને બહાર કાઢે એ જ રાહ જોઉં છું.

PS : થોડા સમય પેહલા એક નિબંધમાળા હાથમાં આવી અને તેમાં આપણા સમયની જ આત્મકથાઓ જેવી કે છત્રીની આત્મકથા, ફૂલની આત્મકથા, બુટની કે કોટની આત્મકથાઓ જ હતી. મનમાં થયું જમાનો બદલાયો છે અને બીજી ઘણી ચીજ-વસ્તુઓ આઉટડેટેડ થઇ ગઈ છે તો તેની આત્મકથાઓ કેમ નહિ લખાતી હોય? એજ વિચારથી આ લેખ લખાયો છે.


You may also like

No comments:

Powered by Blogger.

Followers